WhatsApp Skip to main content

Dr. Harsh J Shah

અકસ્માત પછી પેટમાં ઈજા: ઓપરેશન ક્યારે જરૂરી?

Dr. Jivraj Mehta Hospital · Vasna, Ahmedabad

છેલ્લે સુધાર્યું: 20 ઑક્ટોબર 2026

પેટની ઈજા (abdominal trauma): રોડ અકસ્માત, ઊંચાઈ પરથી પડવું, રમતમાં વાગવું, મારામારી અને ચાકુનો ઘા · liver, spleen (બરોળ), આંતરડું, સ્વાદુપિંડ અને નસોની ઈજા · Dr. Jivraj Mehta Hospital, Vasna, Ahmedabad

Two-wheeler પરથી પડ્યા પછી ઉપરથી કોઈ ઘા ન દેખાય, તો પણ પેટની અંદર લોહી નીકળી શકે છે. દુખાવો, ચક્કર કે પેટ ફૂલે તો તરત emergency માં જાઓ.

Liver કે બરોળમાં તિરાડ હોય તો પણ ઘણા દર્દીને ઓપરેશન વગર સારું થઈ જાય છે. ICU માં નજીકથી નજર, લોહીના ટેસ્ટ અને scan ચાલુ રહે છે.

લોહી બંધ ન થાય, આંતરડું ફાટ્યું હોય કે blood pressure ટકે નહીં, ત્યારે ઓપરેશન કરવું પડે. આ નિર્ણય scan અને પથારી પાસેની તપાસ બંને મળીને લે છે.

પેટની ઈજા એટલે શું?

બહારથી લાગેલા જોરથી પેટની અંદરના અવયવને થયેલું નુકસાન એટલે પેટની ઈજા. તે બે પ્રકારની હોય: મૂઢ માર અને અંદર સુધી ઊતરેલો ઘા.

ડૉ. હર્ષ શાહ, gastro surgeon, અમદાવાદ
Dr Harsh Shah — MS, MCh (Surgical Gastroenterology), DrNB (Surgical Gastroenterology).

Dr. Jivraj Mehta Hospital. પાચનતંત્રની સર્જરીમાં બે ઉચ્ચ ડિગ્રી અને liver, સ્વાદુપિંડ, હોજરી અને આંતરડાની સર્જરીનો 18 વર્ષનો અનુભવ, આયોજિત અને emergency બંને. Dr. Jivraj Mehta Hospital, Vasna, Ahmedabad માં scan, દૂરબીન, ICU, blood bank અને operation theatre એક જ ટીમ તરીકે કામ કરે છે.

Dr Harsh Shah
MS, MCh (Surgical Gastroenterology), DrNB (Surgical Gastroenterology)
Registered with Gujarat Medical Council, Reg. No. G-38738
Intestine & Gastro Surgeon · Dr. Jivraj Mehta Hospital, Vasna, Ahmedabad

ઈજા પામેલા દર્દીની સંભાળ emergency ડૉક્ટર, anaesthetist, radiologist અને ICU ટીમ સાથે મળીને થાય છે. હાડકાં, માથું, છાતી અને કિડનીની તપાસ તે જ સમયે તેમના નિષ્ણાત કરે છે.

ગુજરાતમાં મૂઢ માર વધુ જોવા મળે છે. Two-wheeler કે કારનો અકસ્માત, ધાબા કે સીડી પરથી પડવું, ગાય-ભેંસની લાત, બાળકના પેટમાં cycle નું handle વાગવું, કે મારામારી. ચામડી પર કશું ન દેખાય, પણ અંદર નુકસાન હોય. પાંસળી પાસે આવેલાં liver અને બરોળ તરડાઈને લોહી કાઢે છે. Seat belt કે handle જ્યાં દબાય ત્યાં આંતરડું અને તેની નસોનો પંખો ફાટી શકે છે.

ઊતરેલો ઘા ચાકુ, ધારદાર ઓજાર, કાચ, સળિયા પર પડવાથી કે ગોળીથી થાય છે. બહારનો ઘા નાનો દેખાય, પણ અણી ઊંડે ગઈ હોય. છાતીના નીચેના ભાગનો ઘા liver, બરોળ કે diaphragm સુધી પહોંચી શકે છે. Diaphragm એટલે છાતી અને પેટને જુદાં પાડતો સ્નાયુનો પડદો.

અવયવસામાન્ય રીતે કેવી રીતે વાગેપછી શું થાય
બરોળ (spleen), પેટની ડાબી બાજુ ઉપરડાબી પાંસળી પર માર, પડવું, અકસ્માત.સ્થિર દર્દીમાં મોટા ભાગે નજર. લોહી ચાલુ રહે તો catheter થી નસ બંધ કરવી કે ઓપરેશન.
Liver, પેટની જમણી બાજુ ઉપરજમણી પાંસળી પર માર, અકસ્માત, ચાકુ.સ્થિર દર્દીમાં મોટા ભાગે નજર. ચાલુ લોહી કે પિત્ત ગળે તો catheter કે ઓપરેશન.
નાનું આંતરડું અને તેની નસોSeat belt, handle, લાત, ચાકુ.ફાટ્યું હોય તો મોટા ભાગે ઓપરેશનથી સાંધવું કે જોડવું પડે.
મોટું આંતરડુંચાકુ, અકસ્માત, કોઈ વસ્તુ પર પડવું.સાંધવું, કે થોડો ભાગ કાઢવો. ક્યારેક થોડા સમય માટે થેલી.
સ્વાદુપિંડ અને duodenumHandle કે steering પેટના ઉપલા ભાગમાં વાગે.મુખ્ય નળી ફાટી છે કે નહીં તે પરથી નજર, drain કે ઓપરેશન.
Diaphragmછાતીના નીચે ચાકુ, ભારે અકસ્માત.સાંધવો પડે, ઘણી વાર દૂરબીનથી, જેથી પછી hernia ન થાય.

અકસ્માત પછીનાં ચેતવણી ચિહ્નો

કેટલીક ઈજા મોડી દેખાય છે. સ્થળ પર સારું લાગે તેવો દર્દી કલાકો પછી અંદર લોહી ગુમાવી શકે, એટલે આ ચિહ્નો દેખાય તો ફરી emergency માં બતાવો.

  • વધતો જતો પેટનો દુખાવો, કે ડાબી બાજુ વાગ્યા પછી ડાબા ખભામાં દુખાવો. Diaphragm નીચે ભેગું થયેલું લોહી ખભામાં દુખાવો કરે છે.
  • પેટ ફૂલે, કડક લાગે કે અડતાં દુખે.
  • ચક્કર, બેભાન થવું, ધબકારા ઝડપી થવા, ઠંડો પરસેવો કે ચહેરો ફિક્કો પડવો.
  • ઊલટી, ખાસ કરીને લોહીની ઊલટી.
  • પેશાબ કે ઝાડામાં લોહી.
  • Seat belt ની લીટીમાં પેટ પર ચકામું, કે handle નું નિશાન.
  • એક-બે દિવસ પછી તાવ અને વધતો દુખાવો. આ આંતરડાની ચૂકી ગયેલી તિરાડનું ચિહ્ન હોઈ શકે.

બાળકો અને વડીલો દુખાવો સારી રીતે કહી શકતાં નથી. પડ્યા પછી બાળક ચાલવા ન માંગે, રમવાનું બંધ કરે કે વારંવાર ઊલટી કરે, તો તપાસ કરાવો. લોહી પાતળું કરવાની દવા લેતા વડીલોને નાના માર પછી પણ વધુ લોહી નીકળે છે.

સ્થળ પર પરિવાર શું કરે?

  1. 108 પર ambulance બોલાવો. દર્દી જ્યાં છે ત્યાં જોખમ હોય તો જ ખસેડો.
  2. ખાવાનું, પાણી કે ચા ન આપો. ઓપરેશન કરવું પડે તો ભરેલું પેટ બેભાન કરવાની દવામાં જોખમ વધારે છે.
  3. શરીરમાં ચાકુ કે સળિયો ફસાયો હોય તો કાઢશો નહીં. ખેંચવાથી ભારે લોહી શરૂ થઈ શકે.
  4. ખુલ્લા ઘામાંથી લોહી નીકળે તો ચોખ્ખું કપડું દબાવી રાખો.
  5. દર્દીને ગરમ રાખો, સીધા સુવડાવો, અને વાગ્યાનો સમય તથા ચાલુ દવાઓ લખી રાખો.

તપાસ કયા ક્રમે થાય?

તપાસનો ક્રમ નક્કી છે: પહેલાં શ્વાસ અને blood pressure, પછી પથારી પાસે sonography, અને દર્દી સ્થિર થાય પછી CT scan.

  1. Primary survey. ટીમ શ્વાસનળી, શ્વાસ અને લોહીનું ભ્રમણ તપાસે છે. બાટલા ચઢે, blood group માટે લોહી જાય, અને બહારનું લોહી બંધ કરાય.
  2. પથારી પાસે sonography (FAST). Emergency રૂમમાં જ થોડી મિનિટની તપાસ, liver, બરોળ, હૃદય અને પેડુની આસપાસ લોહી શોધવા. દર્દીને ખસેડવો પડતો નથી.
  3. લોહીના ટેસ્ટ. Haemoglobin, blood group અને cross-match, કિડનીના ટેસ્ટ, લોહી જામવાના ટેસ્ટ, અને lactate, જે બતાવે કે શરીરમાં લોહીની કેટલી ઘટ છે.
  4. Contrast સાથે CT scan. સ્થિર દર્દીમાં આ મુખ્ય તપાસ છે. Liver અને બરોળની તિરાડનો grade, ચાલુ લોહી, અને આંતરડું ફાટ્યાનો અણસાર આપતી હવા કે પાણી તે બતાવે છે.
  5. ફરી ફરી તપાસ. Surgeon થોડા થોડા કલાકે પેટ ફરી તપાસે છે. Scan નાની તિરાડ ચૂકી શકે, પણ વધતો દુખાવો ચૂકાતો નથી.
  6. જરૂર પડે તો દૂરબીનથી જોવું (diagnostic laparoscopy). ચાકુનો ઘા પેટની દીવાલ કે diaphragm પાર ગયો છે કે નહીં તે scan થી નક્કી ન થાય ત્યારે નાના કૅમેરાથી અંદર જોવાય.

દર્દી અસ્થિર હોય અને sonography માં લોહી દેખાય, તો CT ની રાહ જોવાતી નથી. સીધા operation theatre. રાહ જોઈ શકે તેવા દર્દીને scan મદદ કરે છે; રાહ ન જોઈ શકે તેવા દર્દીને scan માટે રોકાય નહીં.

ફક્ત ઈજા છે કે બીજું કંઈ?

મોટા ભાગે ઈજા જ આખી વાત હોય છે. ક્યારેક નાના માર પછી અવયવમાંથી લોહી નીકળે, કારણ કે તે પહેલેથી બીમાર હતો, અને scan તે પકડી પાડે છે.

નાના પડવાથી ફાટેલી બરોળ malaria, typhoid, viral તાવ કે લોહીની બીમારીથી પહેલેથી મોટી થયેલી હોઈ શકે. હળવા માર પછી ખૂબ લોહી કાઢતા liver માં adenoma જેવી સાદી ગાંઠ, કે ભાગ્યે જ cancer, હોઈ શકે. Trauma CT માં અકસ્માત સાથે સંબંધ ન હોય તેવી વસ્તુ પણ દેખાય, જેમ કે કિડની કે adrenal ની ગાંઠ, liver પર ડાઘ કે પથરી.

આવી વાત અમે radiologist સાથે વાંચીએ છીએ અને પરિવારને સાદા શબ્દોમાં કહીએ છીએ. સાદી વસ્તુ માટે follow-up નક્કી થાય. ગાંઠ હોવાની શંકા હોય તો ઈજા શાંત પડે પછી યોગ્ય ટેસ્ટ થાય, emergency ની વચ્ચે ક્યારેય નહીં.

સારવારના બધા તબક્કા

સારવાર એક એક પગથિયું ચઢે છે: નજીકથી નજર, catheter થી લોહી આપતી નસ બંધ કરવી, દૂરબીનથી ઓપરેશન, અને ખુલ્લું ઓપરેશન. ઘણા દર્દી નીચેનાં પગથિયે જ અટકે છે.

  1. નજીકથી નજર (non-operative care). HDU કે ICU ના બેડ પર આરામ, બાટલા, દુખાવાની દવા, વારંવાર haemoglobin અને તપાસ. Operation theatre તૈયાર રહે છે.
  2. Angioembolisation. Radiologist જાંઘની નસમાંથી પાતળી નળી લોહી આપતી નસ સુધી લઈ જઈને અંદરથી બંધ કરે છે. તેનાથી બરોળ કે liver ઓપરેશનથી બચી શકે.
  3. દૂરબીન કે drain. પિત્તનળી કે સ્વાદુપિંડના કેટલાક લીકમાં પેટ ખોલ્યા વગર દૂરબીન કે drain મદદ કરે છે.
  4. Laparoscopy. સ્થિર દર્દીમાં ચાકુનો ઘા, diaphragm ની તિરાડ કે આંતરડાની શંકા હોય ત્યારે દૂરબીનથી જોવું અને સાંધવું.
  5. Laparotomy. પેટની વચ્ચેથી ખુલ્લું ઓપરેશન, ભારે લોહી કે ફાટેલા આંતરડા માટે. Surgeon લોહી બંધ કરે, ઈજાવાળો ભાગ સાંધે કે કાઢે, અને પેટ ધોઈને સાફ કરે.
  6. Damage-control surgery. ખૂબ ગંભીર દર્દીમાં પહેલું ઓપરેશન ફક્ત લોહી અને લીક બંધ કરે. ICU માં દર્દીને ગરમ અને સ્થિર કરાય, અને પૂરું સમારકામ એક-બે દિવસ પછી થાય.

ઓપરેશન ક્યારે જરૂરી નથી?

સ્થિર દર્દીમાં liver કે બરોળની તિરાડ હોય અને આંતરડાને ઈજા ન હોય, તો ઘણી વાર નજર પૂરતી છે. શરત એટલી કે વારંવાર તપાસ થાય અને theatre તૈયાર રહે.

ધબકારા અને blood pressure સ્થિર રહે, haemoglobin ટકી રહે, CT માં contrast બહાર ઝરતું ન દેખાય, અને પેટનો દુખાવો ન વધે, ત્યારે નજરથી સારવાર ચાલે છે. આવા ઘણા દર્દી એક અઠવાડિયામાં ઘરે જાય છે. પછી થોડો સમય શાંતિ રાખવી પડે, કારણ કે રુઝાતી બરોળ કે liver ફરી વાગે તો ફરી લોહી નીકળી શકે.

પેટની દીવાલ પાર ન ગયો હોય તેવો નાનો ચાકુનો ઘા ફક્ત સાફ કરીને ટાંકા લેવાથી પતી શકે. Surgeon પહેલાં સ્થાનિક બેભાન કરીને ઘાની ઊંડાઈ તપાસે છે.

ધબકારા વધે, blood pressure ઘટે, વધુ ને વધુ લોહી ચઢાવવું પડે, કે પેટ પથ્થર જેવું કડક થાય, તો નજર બંધ અને ઓપરેશન શરૂ. આ ફેરફાર પહેલા કલાકથી જ વિચારેલો હોય છે, એટલે સમય બગડતો નથી.

કયા અવયવમાં કયું ઓપરેશન?

ઓપરેશન કયો અવયવ કેટલો વાગ્યો છે તેના પર આધાર રાખે છે. હેતુ હંમેશા લોહી બંધ કરવું, લીક બંધ કરવું અને સલામત હોય તેટલો સ્વસ્થ અવયવ બચાવવો.

બરોળ. ફાટેલી બરોળ તિરાડ અને દર્દીની સ્થિરતા પ્રમાણે સાંધવામાં આવે, થોડી કાઢવામાં આવે, કે આખી કાઢવામાં આવે (splenectomy). બરોળ વગર સામાન્ય જીવન જીવી શકાય, પણ રસી અને તાવમાં ઝડપી સારવાર જરૂરી છે, જે નીચે સમજાવ્યું છે.

Liver. મોટા ભાગની liver ની તિરાડ packing, ટાંકા કે seal કરવાથી બંધ થાય છે. મોટી નસો પાસેની ઊંડી તિરાડ માટે liver નાં ઓપરેશન નિયમિત કરતા surgeon જોઈએ. પછી પિત્ત ગળે તો મોટા ભાગે drain કે ERCP stent થી સારું થાય, બીજું ઓપરેશન નહીં.

નાનું આંતરડું. નાનું કાણું ટાંકાથી બંધ થાય. ખરાબ રીતે ચગદાયેલો કે ફાટેલો ભાગ કાઢીને બે છેડા જોડાય. આંતરડાની નસોનો પંખો (mesentery) ફાટે તો એક ભાગને લોહી ન મળે, અને તે ભાગ કાઢવો પડે.

મોટા ભાગના કેસમાં આંતરડાની ઈજા તે જ દિવસે સાંધી લેવાય છે. સીધું જોડવું સલામત ન હોય ત્યારે જ થોડા સમય માટે થેલી રખાય છે.

મોટું આંતરડું. ચોખ્ખી અને વહેલી પકડાયેલી તિરાડ સાંધી લેવાય. મોટી કે મોડી તિરાડ, કે અંદર ગંદકી ફેલાઈ હોય, તો થોડા સમય માટે stoma, એટલે પેટ પર થેલી, રાખવી પડે. તે મોટા ભાગે થોડાં અઠવાડિયાં પછી બંધ થાય.

સ્વાદુપિંડ અને duodenum. મુખ્ય નળી ન ફાટી હોય તેવો સોજો drain અને સમયથી સારો થાય. Body કે tail માં નળી ફાટી હોય તો મોટા ભાગે તે ભાગ, બરોળ સાથે કે વગર, કાઢવો પડે. Head પાસેની ઈજામાં પિત્તનળી, duodenum અને મોટી નસો મળે છે, એટલે ખૂબ કાળજીથી નિર્ણય લેવાય.

હોજરી અને diaphragm. ફાટેલી હોજરી ટાંકાથી બંધ થાય. ફાટેલો diaphragm સાંધવો પડે, નહીં તો પછી હોજરી કે આંતરડું છાતીમાં સરકી શકે.

ઓપરેશન પહેલાં અને દરમિયાન સાવચેતી

  • લોહી વહેલું cross-match થાય, અને ચીરો મૂકતા પહેલાં લોહી તૈયાર હોય.
  • દર્દીને ગરમ રખાય. ઠંડા દર્દીને વધુ લોહી નીકળે, એટલે બાટલા અને ધાબળા ગરમ રખાય.
  • પહેલા ચીરા પહેલાં antibiotic અપાય.
  • આખું પેટ નક્કી કરેલા ક્રમે તપાસાય, જેથી બીજી ઈજા ચૂકાય નહીં.
  • માથું, છાતી, હાડકાં કે કિડનીને પણ ઈજા હોય તો તે ટીમ સાથે જ કામ કરે.

સારવાર પછીના પહેલા દિવસો

પહેલા બે દિવસ નજીકની નજર હેઠળ જાય છે. દુખાવા પર કાબૂ, વહેલું પાણી અને વહેલું ચાલવું, આ ત્રણ વાત સાજા થવાની ઝડપ વધારે છે.

ઓપરેશન પછી મોટા ભાગના દર્દી પહેલા એક-બે દિવસ ICU કે HDU માં રહે છે. દુખાવો બાટલાની દવા અને ઘણી વાર પીઠમાં મૂકેલી પાતળી નળી (epidural) થી કાબૂમાં રહે છે. આંતરડું ચાલુ થાય એટલે પાણીના ઘૂંટડા, પછી નરમ ખોરાક. ચાલવાનું વહેલું શરૂ થાય, જેથી છાતીનો ચેપ અને પગમાં લોહીના ગઠ્ઠાનું જોખમ ઘટે.

ઓપરેશન વગરની સારવારમાં પહેલા એક-બે દિવસ પથારીમાં આરામ, પછી ચાલવાનું. ઘરે જતાં પહેલાં haemoglobin ફરી તપાસાય. પરિવારને ચેતવણી ચિહ્નોની લેખિત યાદી અને સંપર્ક નંબર અપાય.

જોખમ કયાં છે?

દરેક સારવારમાં જોખમ હોય છે, અને ઈજામાં પોતાનું જોખમ વધુ હોય છે. મુખ્ય જોખમ આ છે:

  • ફરી લોહી નીકળવું, ઈજાવાળા અવયવમાંથી કે ઓપરેશનની જગ્યાએથી;
  • ઘામાં કે પેટની અંદર ચેપ, કે પરુ ભેગું થાય અને drain મૂકવો પડે;
  • આંતરડાના જોડાણમાંથી લીક;
  • એવી ઈજા જે પછીથી દેખાય;
  • છાતીનો ચેપ અને પગની નસોમાં ગઠ્ઠા;
  • મહિનાઓ પછી ટાંકાની જગ્યાએ hernia, કે પેટની અંદર પટ્ટા (adhesions).

સામે રહેલી ઈજાને લાગુ પડતાં જોખમ અમે consent પહેલાં, પરિવાર સમજી શકે તેવા શબ્દોમાં સમજાવીએ છીએ.

બરોળ વગરનું જીવન

બરોળ કાઢ્યા પછી શરીર કેટલાક જંતુ સામે ઓછું લડી શકે છે. રસી, તૈયાર antibiotic, અને ઊંચા તાવમાં તરત સારવાર, આ જોખમ આખી જિંદગી ઓછું રાખે છે.

Pneumococcus, meningococcus અને Haemophilus સામે રસી અપાય છે, emergency splenectomy પછી શક્ય હોય તો લગભગ બે અઠવાડિયે, અથવા દર્દી પાછો ન આવી શકે તેમ હોય તો રજા પહેલાં. દર વર્ષે flu ની રસી પણ ફાયદો કરે. ભવિષ્યમાં દરેક ડૉક્ટરને કહો કે તમારી બરોળ નથી, અને ઊંચો તાવ આવે તો તે જ દિવસે બતાવો.

ઘરે ગયા પછી રોજિંદું જીવન

  • Surgeon રજા ન આપે ત્યાં સુધી ભારે વજન, ધક્કામુક્કીવાળી રમત અને two-wheeler ચલાવવાનું ટાળો. Liver કે બરોળની ઈજા પછી મોટા ભાગે થોડાં અઠવાડિયાં.
  • આંતરડું બરાબર ચાલે એટલે ઘરનું સામાન્ય જમવાનું. પહેલાં અઠવાડિયાંમાં થોડું થોડું જમવું સારું.
  • ઘા ચોખ્ખો અને સૂકો રાખો. ટાંકા કે clip પહેલી મુલાકાતે કાઢાય.
  • વધતો દુખાવો, તાવ, ચક્કર, ઊલટી, કે ઘામાં લાલાશ અને પરુ દેખાય તો તરત પાછા આવો.

દર્દીઓ અને પરિવારોના અનુભવ

★★★★★

“Fabulous doctor Very good hospital with emergency service 24 X 7, our experience is very good save our father in critical situation thanks to Dr Harsh Shah.”

— Pratik Rajput, Google review

★★★★★

“Dr. Harsh Shah gets it. From his experience, excellent treatment and ability to connect, you know where you stand immediately and what next steps look like. Thank you Dr.Harsh Shah once again.”

— Abu sufiyan vasa, Google review

★★★★★

“Very good doctor and diagnosis skills is brilliant the way politely explained the patient about disease half pain relieve immediately very good experience and very knowledgeable doctors thanks Dr. Harsh for your kind treatment”

— snehal shah, Google review

Reviews Google પર જેમ લખાયા છે તેમ જ મૂક્યા છે. એક પણ review પેટની ઈજા વિશે નથી. પહેલો પરિવારના સભ્યની emergency સારવાર વિશે છે, અને બાકીના બે સામાન્ય સારવાર વિશે.

Emergency થી follow-up સુધી

  1. પહેલાં emergency સારવાર. 108 બોલાવો કે નજીકના emergency વિભાગમાં પહોંચો. દર્દીને સ્થિર કરવો એ પહેલું કામ.
  2. ક્રમસર તપાસ. Primary survey, પથારી પાસે sonography, લોહીના ટેસ્ટ, અને દર્દી સ્થિર થાય ત્યારે CT scan.
  3. નિર્ણય. નજર, catheter સારવાર કે ઓપરેશન, emergency, radiology અને ICU ટીમ સાથે નક્કી થાય અને પરિવારને સમજાવાય.
  4. સારવાર અને રુઝ Dr. Jivraj Mehta Hospital, Vasna, Ahmedabad માં, રોજ પરિવારને માહિતી સાથે.
  5. Follow-up OPD, અમદાવાદમાં: ઘા, લોહીનો ટેસ્ટ, scan માં દેખાયેલી વાત, અને splenectomy પછી રસી.

ખર્ચ, વીમો અને દાખલ થવું

ખર્ચ સારવારના પગથિયા, ICU ના દિવસો અને બીજી ઈજાઓ પર આધાર રાખે છે. Emergency પરવાનગી આપે તેટલું વહેલું પરિવારને અંદાજ અપાય છે.

Dr. Jivraj Mehta Hospital, Vasna, Ahmedabad મુખ્ય વીમા કંપનીઓ અને cashless સુવિધા સાથે કામ કરે છે, અને તેની office pre-authorisation સંભાળે છે. અકસ્માતના કેસ કાયદા મુજબ medico-legal case (MLC) તરીકે નોંધાય છે; તેનાથી સારવાર અટકતી નથી. દર્દીનું ઓળખપત્ર, વીમા કાર્ડ, દવાઓની યાદી અને બીજી hospital માં થયેલો scan CD કે link પર સાથે લાવજો.

વારંવાર પૂછાતા પ્રશ્નો

બહાર ઘા ન હોય તો પણ ઈજા ગંભીર હોય?

હા. મૂઢ મારમાં ચામડી સામાન્ય દેખાય, પણ અંદર liver, બરોળ કે આંતરડું ફાટેલું હોઈ શકે. માર પછી દુખાવો, સોજો કે ચક્કર હોય તો emergency માં તપાસ કરાવો.

Liver કે બરોળની દરેક ઈજામાં ઓપરેશન?

ના. ઘણા સ્થિર દર્દીમાં નજીકની નજરથી, ક્યારેક catheter થી નસ બંધ કરીને સારવાર થાય છે. લોહી બંધ ન થાય તો ઓપરેશન તૈયાર રહે છે.

CT સામાન્ય છે, તો નજર કેમ ચાલુ?

આંતરડાની નાની તિરાડ પહેલા scan માં છુપાઈ શકે. પછીના કલાકોની તપાસમાં તે પકડાય, કારણ કે પેટ વધુ દુખે અને તાવ આવી શકે.

ઈજા પછી દૂરબીનથી ઓપરેશન થાય?

હા, સ્થિર દર્દીમાં. ચાકુનો ઘા તપાસવા, diaphragm સાંધવા કે આંતરડાની તિરાડ શોધવા laparoscopy કામ આવે. અસ્થિર દર્દીમાં ખુલ્લું ઓપરેશન જોઈએ.

કામ કે રમત પર ક્યારે પાછા જવાય?

બેઠાડુ કામ ઘણી વાર થોડાં અઠવાડિયાંમાં. ભારે વજન, ધક્કામુક્કીવાળી રમત અને two-wheeler માટે વધુ રાહ, surgeon રજા આપે ત્યાં સુધી.

આંતરડાના ઓપરેશન પછી થેલી આવશે?

મોટા ભાગની તિરાડ થેલી વગર સંધાય છે. તિરાડ મોટી કે મોડી હોય ત્યારે થોડા સમય માટે થેલી રખાય, જે મોટા ભાગે થોડાં અઠવાડિયાં પછી બંધ થાય.

ડૉ. હર્ષ શાહ ક્યાં મળે છે?

Dr. Jivraj Mehta Hospital, Vasna, Ahmedabad
Dr. Jivraj Mehta Hospital, Dr Jivraj Mehta Marg, Vasna, Ahmedabad 380007.
Emergency સારવાર, CT scan, ICU, blood bank, દૂરબીન અને ઓપરેશન.
Google: Dr Harsh Shah · 4.94 · 18 reviews
Dr. Jivraj Mehta Hospital, વાસણા નો રસ્તો · WhatsApp +91-63555-64601

આખા ગુજરાત, દક્ષિણ રાજસ્થાન અને પશ્ચિમ મધ્ય પ્રદેશથી દર્દીઓ અમદાવાદ આવે છે.

અત્યારે કોઈને પેટમાં વાગ્યું છે? 108 પર ambulance બોલાવો, અથવા નજીકના emergency વિભાગમાં સીધા પહોંચો. ખાવા-પીવાનું કંઈ ન આપો. દર્દી બીજી hospital માં દાખલ હોય અને પરિવારને gastro surgeon નો અભિપ્રાય જોઈએ, તો CT scan અને રિપોર્ટ WhatsApp પર મોકલી શકો છો. ફોન કરો +91-63555-64601 · CT અને રિપોર્ટ WhatsApp પર મોકલો

Rate this page

Get health updates from Dr Harsh Shah on WhatsApp

Swasth Parivar: every week, practical advice on recovery, diet and warning signs. No advertising. Stop any time.

Your number is used for these updates and for the clinic to reach you. It is never sold or passed on. To stop, reply STOP on WhatsApp.

Dr. Harsh J Shah
Dr Harsh Shah, Gastro, Cancer & Laparoscopic Surgeon, Ahmedabad
Privacy Overview

This website uses cookies so that we can provide you with the best user experience possible. Cookie information is stored in your browser and performs functions such as recognising you when you return to our website and helping our team to understand which sections of the website you find most interesting and useful.